ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ : ૩૧ : ક્રાન્તિકારીઓ (૪)

દીપક ધોળકિયા

૧૯૨૮નું વર્ષ આવતાં સુધીમાં દેશમાં સંઘર્ષ માટેનું ચિત્ર વધારે સ્પષ્ટ થવા લાગ્યું હતું. એક તો, ૧૯૨૦થી જ કોંગ્રેસનું પોત બદલી ગયું હતું. ગરમ કે નરમ, બન્ને જૂથોના નેતાઓ લોકમાન્ય તિલક કે ગોપાલ કૃષ્ણ ગોખલે તો બહુ પહેલાં જ વિદાય લઈ ગયા હતા. ગાંધીજીની અહિંસક અને સામૂહિક આંદોલનની પદ્ધતિ એકમાત્ર પદ્ધતિ રહી હતી. બીજી બાજુ, સશસ્ત્ર ક્રાન્તિકારીઓમાં પણ પરિવર્તનો આવ્યાં હતાં. પહેલાં ધાર્મિક રંગે રંગાયેલા હિંસામાં માનનારા ક્રાન્તિકારીઓ મોખરે હતા. તેમાંથી, આપણે ૩૦મા પ્રકરણમાં જોયું તેમ પહેલાં HRA અને પછી ભગત સિંઘ જેવા ધર્મથી અલિપ્ત, સમાજવાદથી પ્રેરાયેલા ક્રાન્તિકારીઓ આગળ આવ્યા હતા. જો કે, હજી એમાં સમાજવાદી વિચારોને લાગુ કરવા માટે જરૂરી શક્તિ વિકસી નહોતી, અને અંગ્રેજી સત્તાનો શસ્ત્રશક્તિથી સામનો કરવાની ઉત્કટતા વધારે હતી. ખરેખર તો રશિયામાં થયેલા સત્તાપલટાની અસર સામ્યવાદી સિદ્ધાંતો કરતાં વધારે હતી. એટલે માર્ક્સવાદ વિશે ક્રાન્તિકારીઓ વધારે રોમૅંટિક હતા. હજી એમની સમજ પૂરી વિકસી નહોતી. આથી કોઈ આખી વ્યવસ્થાને નહીં પણ કોઈ એક ખાસ વ્યક્તિને જવાબદાર માનવાનું વલણ પણ હતું.

દાખલા તરીકે, ૧૯૨૮ના ડિસેમ્બરમાં સામ્યવાદી નેતા સોહન સિંઘ જોશ સાથેના પત્રવ્યવહારમાં ભગત સિંઘે લખ્યું કે “અમે તમારી પાર્ટીનાં કામો અને કાર્યક્રમો સાથે સંમત છીએ પણ ક્યારેક એવો સમય પણ આવે છે કે જનતામાં વિશ્વાસ જગાડવા માટે દુશ્મનના પ્રહારનો તરત જ સશસ્ત્ર જવાબ આપવાનું જરૂરી બની જાય છે.” (એમના વિચાર “તરત જ સશસ્ત્ર જવાબ” કરતાં આગળ નીકળી ગયા હતા).

સાઇમન કમિશન અને લાલા લાજપતરાયનું મૃત્યુ

image૧૯૨૮ની ૩૦મી ઑક્ટોબરે લાહોરમાં સાઇમન કમિશનના વિરોધમાં જબ્બરદસ્ત સરઘસ નીકળ્યું. કમિશનમાં એક પણ હિંદી ન હોવાથી કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને બીજાં ઘણાં જૂથોએ એનો બહિષ્કાર કર્યો હતો. એ દિવસે કમિશન લાહોર પહોંચ્યું ત્યારે સરકારને ખબર હતી કે એની સામે વિરોધ થશે એટલે ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ હતી. (સાઇમન કમિશન અને કોંગ્રેસની અંદરની અન્ય ઘટનાઓ માટે આપણે હજી સમયના ચક્રમાં પાછળ જવાનું જ છે; હમણાં આટલું પૂરતું છે). આમ છતાં. પંજાબ કેસરી લાલા લાજપતરાયની આગેવાની નીચે હજારો લોકો રસ્તા પર કૂચ કરતા નીકળી પડ્યા હતા. જંગી સરઘસને વીખેરી નાખવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો તેમાં લાલાજી ઘવાયા અને ૧૭મી નવેમ્બરે એમનું અવસાન થયું. સામાન્ય લોકોએ એમના મૃત્યુ માટે પોલીસને જવાબદાર માની. લાહોર ક્રોધથી કંપતું હતું.

હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)ના ક્રાન્તિકારીઓ લાલાજીના રાજકારણ સાથે સંમત તો નહોતા પરંતુ એમણે એમના મૃત્યુને સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું. એમનો ઇરાદો તો લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો પરંતુ લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી, ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો.

ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણેના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ. પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો.

બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે HSRAના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી – સોંડર્સ મરાયો… લાલાજીના મોતનો બદલો વસૂલ!” આ કેસના તાજના સાક્ષી જયપાલના નિવેદનમાંથી આખી યોજનાની ઝાંખી મળે છે તે પ્રમાણે ક્રાન્તિકરીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી. સ્કૉટને મારવાની જવાબદારી ભગત સિંઘ અને શિવરામ રાજગુરુને સોંપાઈ. ચંદ્રશેખર આઝાદે આખી કાર્યવાહીનો દોર સંભાળ્યો. એમનો હેતુ તો એમ હતો કે હત્યા પછી પોલીસ એમની પાછળ પડે તો એની સાથે સામસામે ધીંગાણું કરવું અને મોતને ભેટવું. પરંતુ પોલીસે કંઈ ન કર્યું એટલે ભગત સિંઘ અને રાજગુરુ ત્યાંથી બે સાઇકલ પર નજીકમાં ડી. એ. વી. કૉલેજના બોર્ડિંગ હાઉસમાં ચાલ્યા ગયા. પોલીસે આખા શહેરમાં અને રેલવે સ્ટેશનોએ જાપ્તો ગોઠવી દીધો હતો એટલે લાહોરથી કેમ ભાગવું તેની યોજના પણ બનાવવાની હતી. એના માટે એ કૉલેજમાંથી બહાર નીકળ્યા તે પછી તરત જ પોલીસે એને ઘેરો ઘાલ્યો પણ એ તો નાસી છૂટ્યા હતા.

ભગત સિંઘ અને સુખદેવ થાપર સૉંડર્સની હત્યા કરીને બે દિવસ પછી ભગવતી ચરણ વોહરાને ઘરે પહોંચ્યા. એમને લાહોરથી નીકળી જવું હતું અને કોઈ ઓળખી ન શકે એટલે એમણે વેશપલ્ટો કરી લીધો હતો. ભગત સિંઘે પહેલી વાર વાળ કપાવીને ફેલ્ટ કૅપ પહેરી. આજે તો એ તસવીરથી જ આપણે ભગત સિંઘને ઓળખીએ છીએ. પરંતુ ટ્રેનમાં એવું લાગવું જોઈએ કે એક સદ્‍ગૃહસ્થ કુટુંબ મુસાફરી કરે છે એટલે આ ફેલ્ટ કૅપવાળા જુવાનની પત્ની પણ હોવી જોઈએ. આ ભૂમિકા ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ ભજવી. ભગત સિંઘે દુર્ગાભાભીના પુત્ર શચીન્દ્રને તેડ્યો, અને બન્ને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠાં. રાજગુરુ એમના ‘નોકર’ તરીકે થર્ડ ક્લાસમાં સામાન સાથે આવ્યા. પંડિત ચંદ્રશેખર ઝાદ ખરેખરા પંડિત બન્યા – અંગવસ્ત્ર, ધોતિયું, કપાળે તિલક, માળા વગેરેમાં સજ્જ થઈને એક યાત્રાળુઓની મંડળી સાથે લાહોરથી ભાગી છૂટ્યા.

ભગવતી ચરણ વોહરા

ભગવતી ચરણ વોહરાનો જન્મ ૧૯૦૪માં થયો. એ મૂળ ગુજરાતના હતા, પરંતુ બહુ પેઢીઓ પહેલાંimage ગુજરાત છોડીને આગરામાં એમનો પરિવાર વસી ગયો હતો. ભગવતી ચરણ અને એમનાં પત્ની દુર્ગાવતી પણ ગુજરાતી બ્રાહ્મણ પરિવારનાં જ હતાં. લગ્ન વખતે દુર્ગાની ઉંમર ૧૧ વર્ષ હતી. બન્ને પરિવાર આગરા છોડીને લાહોરમાં નજીક નજીકની શેરીઓમાં જ રહેતા હતા. દુર્ગાવતી પણ પતિની સાથે જ ભગત સિંઘની મંડળીમાં સક્રિય બની ગયાં. ગ્રુપમાં બધા એમને દુર્ગાભાભી કહેતા.

imageભગવતી ચરણ પહેલાં તો ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચી લેતાં એ ફરી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા. વોહરા વાચનના જબરા શોખીન હતા અને ભગત સિંઘે સ્થાપેલી નૌજવાન ભારત સભા અને હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનના સિદ્ધાંતવેત્તા હતા. આમ એમનું સ્થાન ગ્રુપમાં મુખ્યત્વે ચિંતક અને વિચારકનું હતું. એમણે કૉલેજમાં ભગત સિંઘ અને સુખદેવની સાથે મળીને માર્ક્સિસ્ટ સ્ટડી સર્કલ પણ બનાવ્યું હતું. એના પછી હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનનું નામ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિક એસોસિએશન (HSRA) નામ અપાયું.

સશસ્ત્ર કાર્યવાહીઓ માટે પૈસાની પણ જરૂર પડતી અને વોહરા પરિવાર પૈસેટકે સુખી હતો એટલેimage ગ્રુપની નાણાભીડમાં પણ ભગવતી ચરણની મદદ રહેતી. એમનાં મોટાં બહેન સુશીલાદીદી પણ ક્રાન્તિકારી હતાં. એ એક સ્કૂલમાં શિક્ષિકા હતાં પણ કશા ડર વિના ક્રાન્તિકારીઓને મદદ કરતાં. ભગત સિંઘ અને રાજગુરુ ડી. એ. વી. કૉલેજથી નીકળ્યા તે પછી બે દિવસ એમને આશરા માટે એક ઘર એમણે જ અપાવ્યું હતું.

૧૯૨૯માં ભગવતી ચરણ વાઇસરોયને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં સામેલ થયા. વાઇસરોયની ટ્રેનને તો કંઈ નુકસાન ન થયું પણ ગાંધીજીએ એની વિરુદ્ધ ‘Cult of Bomb’ લેખ લખ્યો. એના જવાબમાં HSRA તરફથી પણ એક લેખ પ્રકાશિત થયો – Philosophy of Bomb. આ લખનાર ભગવતી ચરણ હતા.

હવે એમણે બોમ્બ બનાવવાનું શીખી લીધું હતું. એમનો વિચાર હતો કે ભગતસિંઘ અને એમના સાથીઓને બોમ્બ ફેંકીને જેલમાંથી છોડાવી લેવા. એક ભાડાના ઘરમાં એ અમુક સાથીઓની સાથે મળીને બોમ્બ બનાવતા. ૨૮મી મે ૧૯૩૦નો એ દિવસ હતો. ભગવતી ચરણ એક-બે સાથી સાથે રાવીના કિનારે બોમ્બનો અખતરો કરવા ગયા ત્યારે બોમ્બ અચાનક ફૂટી ગયો. અને ક્રાન્તિકારી વીર ભગવતી ચરણ વોહરાનું એમાં મૃત્યુ થઈ ગયું. એ સમયે એમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી.

સંદર્ભઃ

1.भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00 rhljk iqueqZnz.k % fnlEcj] 2017

2. A Centenary History of the Indian National Congress Vol. II (1919-1935)

૩. http://www.shahidbhagatsingh.org/biography/c6.htm


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

1 thought on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ : ૩૧ : ક્રાન્તિકારીઓ (૪)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *