–બીરેન કોઠારી
ગુજરાતી નવલિકા ક્ષેત્રે રજનીકુમાર પંડ્યાનું નામ પ્રથમ હરોળમાં નિ:સંકોચપણે મૂકી શકાય. માનવમનના અતળ ઊંડાણમાં રહેલા ભાવોનું નિરૂપણ રજનીકુમારની વિશેષતા છે. તેમનાં તમામ પ્રકારનાં લખાણોમાં આ બાબત જોવા મળે, અને વાર્તામાં તો સવિશેષ. કેવળ સ્થૂળ ઘટનાના ચિત્રાત્મક નિરૂપણને બદલે માનવમનની વિવિધ રંગલીલાઓના આલેખનને લીધે રજનીકુમારની વાર્તાનો ચાહકવર્ગ બહોળો છે. પોતે જેમને વાર્તાલેખનના ગુરુ માને છે એવા મહંમદ માંકડે એક વાર રજનીકુમારને કહેલું: ‘તમે તમારાં પાત્રોને ઊભાં ને ઊભાં ચીરી નાખો છો!’
તેમની ‘શહીદ’ નામની વાર્તામાં સૈન્યમાં જોડાઈને વીરગતિ પામેલા એક પુત્રના પિતાની વાત છે. શહીદ થયેલા પુત્રના મોતના વળતર પેટે બાપને ખેતી માટે દસ વીઘાં જમીન સરકાર તરફથી આપવામાં આવે છે. એ વખતે બાપને ક્ષણિક વિચાર આવે છે કે દસને બદલે વીસ વીઘાં જમીન હોય તો કંઈક વાત બને. દસ વીઘે તો શું થાય? બાપ પોતાના બીજા જુવાનજોધ દીકરાને કહે છે, ‘તું લશ્કરમાં ભરતી થવાની વાત કરતો હતો તો એવું કંઈક કર ને કે…..’ આ વાર્તા વાંચીને ઘડીક શૂન્યમનસ્ક બની જવાય. માંકડસાહેબના નિરીક્ષણને એ એકદમ સાચું ઠેરવે છે.
આવી તો અનેક અનેક વાર્તાઓ છે. તેમની વાર્તાઓમાં કોઈ પુરુષપાત્ર કે સ્ત્રીપાત્ર પ્રધાન નથી. પ્રધાન છે માનવ અને તેનું અકળ મન. હા, કેટલાંક પાત્રો તેમની ઘણી વાર્તાઓમાં જોવા મળે છે. જેમ કે, પત્નીથી પીડિત પુરુષનું પાત્ર. ‘દસની નોટ’ જેવી વાર્તામાં આવું પાત્ર ‘શોલે’ના સામ્ભાની જેમ (કેવળ સરખામણીની રીતે) સાવ ઓછા સમય માટે, છતાં ચિરંજીવ બની રહે એ રીતે આલેખાયું છે.
તેમની વાર્તાઓની બીજી એક વિશેષતાનો ઉલ્લેખ પણ મહત્ત્વનો છે. તેમની સાથે અંગતપણે સંકળાયેલો હોવાને કારણે તેમના જીવનની કે તેમની સાથે સંકળાયેલાં પાત્રોની ઘણી બધી સત્યઘટનાઓ વિશે મને જાણ હોય છે. રજનીકુમાર એવી કોઈ ઘટના પરથી વાર્તા લખે ત્યારે આવી ઘટનાનું અવલંબન કેવળ સ્પ્રિંગબૉર્ડથી વિશેષ નથી હોતું. ઘણાખરા કિસ્સામાં તો એવી કોઈ ઘટના પણ ખરી પડે છે અને આખી નવી જ સૃષ્ટિ સર્જાય છે. અમદાવાદમાં તૂટી પડેલા વિમાનમાં બચી ગયેલા વિનોદ ત્રિપાઠીનો ઈન્ટરવ્યૂ લઈને રજનીકુમારે વિગતે એ ઘટનાનું આલેખન કરેલું. તેમાં એક મા આ દુર્ઘટનામાં માર્યા ગયેલા પોતાના દીકરા વિષે વિનોદભાઈને પૂછે છે: ‘મને એટલું જણાવો કે તેને બળતાં બહુ વાર નહોતી લાગી ને?’ આ સંવાદ વાંચીને હૈયું વલોવાઈ જાય અને એમ લાગે કે આવું તો વાર્તામાં જ બને! હકીકતમાં આ ચરિત્રલેખ હતો.
પણ આ ઘટનાનું અવલંબન લઈને રજનીકુમાર વાર્તા લખે ત્યારે સમજાય કે સત્યઘટના અને વાર્તા કેટલાં અલગ હોય છે! વાર્તામાં મા જણાવે છે: ‘તેને દિવાળીએ દારૂખાનું ફોડતાં બહુ બીક લાગતી હતી. આથી મને એ કહો કે તેને બળતાં બહુ વાર નહોતી લાગી ને?’ આવી તો અનેક વાર્તાઓ રજનીકુમારે આલેખેલી છે. જેમાંની થોડીઘણી દસેક વાર્તાસંગ્રહોમાં ગ્રંથસ્થ છે, તો ઘણીબધી અગ્રંથસ્થ.
તેમના પ્રકાશિત વાર્તાસંગ્રહો ‘ખલેલ’, ‘ચંદ્રદાહ’, ‘આત્માની અદાલત’, ‘ઝાંઝર’, ‘રજનીકુમાર પંડ્યાની શ્રેષ્ઠ વાર્તાઓ’ (સંપાદન: રમણ પાઠક ‘વાચસ્પતિ’), ‘રજનીકુમાર પંડ્યા: સદાબહાર વાર્તાઓ’, ‘અહા! કેટલી સુંદર’ તેમ જ ‘મન બિલોરી’, ‘રંગ બિલોરી’ અને ‘હાસ બિલોરી’ છે. ‘શબ્દઠઠ્ઠા’ પણ હાસ્યના પાસવાળી વાર્તાઓ જ કહી શકાય. તેમની ‘જુગાર’ વાર્તા ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રગટ થયેલી ટૂંકી વાર્તાની એન્થોલોજીમાં સ્થાન પામી છે. અને નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડીયા, દિલ્હી દ્વારા 2008 માં પ્રકાશિત થયેલા સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વાર્તાઓના વિશેષ ચયન ‘ઉર્વરા’ (સંપાદન: શિરીષ પંચાલ)માં પણ તેમની વાર્તા
‘ચંદ્રદાહ’ સ્થાન પામી છે.
ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં પણ તેમની વાર્તાઓ પહોંચી છે, જે પુસ્તકરૂપે ‘બેનામ શખ્સ’ (સિંધી), ‘યે લોગ’ (હિન્દી), ‘ફેમીલીમૅન’ (હિન્દી) પ્રકાશિત છે. 2000ની સાલમાં ડૉ. કિશોર જાદવ (કોહીમા-નાગાલેન્ડ) દ્વારા સંપાદિત અંગ્રેજી વાર્તાસંગ્રહ Contemporary Gujarati Short Stories માં રજનીકુમારની વાર્તા ‘ચંદ્રદાહ’ નો સ્વ.તુષાર ભટ્ટે કરેલો અંગ્રેજી અનુવાદ સ્થાન પામ્યો છે.
અન્ય માધ્યમોમાં પણ તેમની વાર્તાઓ એટલી જ પ્રભાવક નીવડી છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના મુખપત્રમાં એક જ વાર પ્રકાશિત થયેલી તેમની લખેલી અને સુશિલા જોશી દ્વારા અનુવાદિત વાર્તા ‘કંપન જરા જરા’નું મંચન દિલ્હીની ‘નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા’ દ્વારા રજનીકુમારની વિશેષ ઉપસ્થિતિમાં જ યોજવામાં આવ્યું હતું. આ નિમિત્તે પ્રકાશિત સ્મરણિકામાં હિન્દીના ખ્યાતનામ વાર્તાકારો ભીષ્મ સાહની, ફણિશ્વરનાથ રેણુની હરોળમાં રજનીકુમારનું નામ મૂકાયું હતું.

મંચન થયેલી રજનીકુમારની વાર્તાનો ઉલ્લેખ)
આશા પારેખ દ્વારા દિગ્દર્શીત ધારાવાહિક ‘જ્યોતિ’માં રજનીકુમારની વાર્તા ‘જુગાર’ પસંદગી પામી હતી, તો સતીશ વ્યાસે ‘વારસદાર’ વાર્તાને ટી.વી.ના પડદે રજૂ કરી છે. ‘આકાશમાં છબિ’ વાર્તાનું ‘સરસ્વતીચંદ્ર’ ફેઈમ દિગ્દર્શક ગોવિંદ સરૈયાએ ડબલ્યુ.એચ.ઓ. માટે ફિલ્માંકન કર્યું છે.
સામાન્ય વાચકોથી લઈને સશક્ત ગદ્યકારો તેમ જ કલાકારો પણ તેમની વાર્તાઓના ચાહક રહ્યા છે. અહીં કેવળ તેના કેટલાક નમૂના મૂક્યા છે.






અત્યાર સુધી રજનીકુમારનાં લખેલાં વાર્તાત્મક શબ્દચિત્રો ‘વેબગુર્જરી’ પર દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે ‘લ્યો, આ ચીંધી આંગળી’ અંતર્ગત પ્રકાશિત થતાં રહ્યાં છે. ‘વેબગુર્જરી’ના વાચકોને જણાવતાં આનંદ થાય છે કે હવેથી, ૧૯-૧-૨૦૨૦થી શરૂ કરીને, દર મહિનાના ત્રીજા રવિવારે ‘મારું વાર્તાઘર’ શિર્ષક અંતર્ગત રજનીકુમારની એક વાર્તા પ્રકાશિત થશે. જરૂર હશે ત્યાં તેઓ જે તે વાર્તાની સર્જનપ્રક્રિયા વિશે પણ જણાવશે.
આ પ્રકલ્પમાં જોડાવાની મંજૂરી આપવા બદલ રજનીકુમારનો હૃદયપૂર્વક આભાર અને સ્વાગત.
રજનીકુમાર પંડ્યા,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ, અમદાવાદ-૩૮૦૦૫૦
મો.+91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
નમસ્તે બીરેનભાઇ, પંડ્યા સાહેબ વિષેની આપની દરેક વાત સાચી છે. મનેએમની બધી જ વાર્તા ને લેખો ગમે છે. કારણ કે લગભગ એ બધી સત્ય ધટના કે સત્યની બહુ જ નજીક હોય છે. મને બધુ તો નહિ પણ જેકાંઇ વાંચવા મળ્યુ છે એના પરથી એમની લેખનશકિતનો પુરો અંદાઝ આવી જાય. આશા રાખીએ આ લાભ ભવિષ્યમાં પણ મળતો રહે
રજની ભાઈને હાર્દિક અભિનંદન
હાર્દિક અભિનંદન.
હાર્દિક અભિનંદન.
અરે વાહ, ખુશીની વાત છે
ખુબ જ રાજીપાની વાત છે. ‘વેબ ગુર્જરી’ના અધિષ્ઠાતાઓનો સાનંદ આભાર.