ફિર દેખો યારોં : સચ હૈ દુનિયાવાલોં કિ હમ હૈં અનાડી

– બીરેન કોઠારી

કાયદામાં ફેરફાર કરીને હેલ્મેટને અમુક જ વિસ્તારોમાં મરજિયાત બનાવવા બદલ સરકાર વધુ હાંસીપાત્ર બની કે નાગરિકો એમ વિચારનાર પણ હાંસીપાત્ર બની રહે એવું વાતાવરણ છે. હવે એન.આર.સી. અને સી.એ.એ.ના ગતકડાને કારણે આ મુદ્દો બાજુએ હડસેલાઈ ગયો છે. હકીકત એ છે કે આપણા રોજબરોજના જીવનમાં ટકી રહેવાના સંઘર્ષો જ એટલા ગંભીર હોય છે કે સુરક્ષાની દેખીતી બાબતો પ્રત્યે આપણે આંખ આડા કાન કરતા રહીએ છીએ. કોઈ પણ નગર, શહેર કે મહાનગરમાં ટ્રાફિકની સ્થિતિ જોવાથી આ બાબત વધુ સારી રીતે અનુભવી શકાશે.

પણ એવું નથી કે માત્ર સડક પર જ આ સ્થિતિ છે. સુરક્ષા બાબતે આપણા લોકો રેલ્વેને પણ ગણકારતા નથી. અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્‍ડીયન એક્સપ્રેસ’માં થોડા દિવસ અગાઉ પ્રકાશિત થયેલા એક સમાચાર જાણવા જેવા છે. મુંબઈની ઉપનગરીય ટ્રેન સેવાના મધ્ય રેલ્વે વિભાગમાં દાદરથી કલ્યાણ તરફ જતાં થાણે પછી કાલવા અને મુમ્બ્રા સ્ટેશન આવે છે. મુમ્બ્રા-કાલવા સ્ટેશન વચ્ચેનો એક ચોક્કસ પટ્ટો આવેલો છે. રેલ્વેના રેકર્ડમાં અહીંનું એક સ્થળ કિ.મી.નં.38/1-16 તરીકે ઓળખાય છે. આ પટ્ટાની આસપાસ ઝૂંપડપટ્ટી વસેલી છે, જે ગેરકાયદે છે. અહીં આશરે 11,000 લોકો વસે છે. થાણેથી કાલવાની વચ્ચે જાન્યુઆરીથી નવેમ્બર, ૨૦૧૮ દરમિયાન કુલ ૮૮ અપમૃત્યુના કિસ્સા બન્યા, જેમાંના 21 મુમ્બ્રા-કાલવા વચ્ચે થયા. અહીંના રહીશો માટે પાટા ઓળંગવા રોજિંદું કામ છે, અને એ જ કારણે તેઓ ટ્રેન સાથે ટક્કર થવાના દેખીતા જોખમને અવગણે છે. ટ્રેન પૂરઝડપે ધસી આવતી દેખાય છતાં લોકો આત્મવિશ્વાસપૂર્વક પાટા ઓળંગવાનો પ્રયત્ન કરે છે, અને ટ્રેનની ગતિનો અંદાજ કાઢવામાં થાપ ખાઈ જતાં મોતને ભેટે છે. આ પટ્ટો એવો છે કે અહીં પાટાને ઓળંગવા માટે પુલ બનાવી શકાય એમ નથી. રહીશોને સમજાવવા પણ મુશ્કેલ છે, કેમ કે, એ કામ કરવું શી રીતે? જેના કુટુંબમાં કે પડોશમાં આ રીતે કોઈ ને કોઈનું અપમૃત્યુ થયું હોય એનાથી વધુ કોણ આ બાબતને સમજી શકવાનું? આમ છતાં, દુર્ઘટનાઓનું પ્રમાણ સતત વધતું રહ્યું ત્યારે રેલ્વે સત્તાવાળાઓએ આનો ઊપાય શોધવા માટે કમર કસી. એક એજન્‍સીને આ કામ સોંપવામાં આવ્યું.

ઊકેલ પણ કેટલો સીધોસાદો, સોંઘો, છતાં અસરકારક મળી આવ્યો! સો સો મીટરના અંતરે પાટા નીચેના સ્લીપરના પાંચ સેટને પસંદ કરવામાં આવ્યા. તેને પીળા રંગે રંગવામાં આવ્યા. આવો સૌથી નજીકનો સેટ અકસ્માતસ્થળથી 150 મીટરના અંતરે હતો. આમ કરવાનું શું કારણ? ટ્રેન આવતી હોય ત્યારે પાટા ઓળંગી રહેલી વ્યક્તિ પીળા રંગના સ્લીપરને ટ્રેન કેટલી ઝડપથી ‘ગળી’ રહી છે તેની પરથી ટ્રેનની ગતિનો અંદાજ લગાવી શકે. છે તો આ એકદમ સીધોસાદો ઉપાય, પણ તે માનવીય વર્તણૂંકશાસ્ત્ર પર આધારીત છે.

આની સાથોસાથ બીજો પણ ઊપાય હાથ ધરાયો. અકસ્માતસ્થળથી આશરે 120 મી.ના અંતરે એક ‘વ્હીસલ બૉર્ડ’ ઊભું કરવામાં આવ્યું. ટ્રેન આવતી દેખાય ત્યારે એક મોટરમેન સિસોટીને ટુકડે ટુકડે વગાડે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. આનું કારણ? એક સંશોધન મુજબ, માનવનું મગજ લાંબા, સળંગ હોર્નને બદલે ટુકડે ટુકડે વગાડાતા હોર્નને બહેતર રીતે પ્રતિક્રિયા આપે છે. એટલે કે ટ્રેનના સળંગ વાગતા ભૂંગળાના અવાજને તે અવગણે એમ બને, પણ ટુકડે ટુકડે વગાડવામાં આવતી સિસોટીને તે ચેતવણીસૂચક ગણીને તેને ધ્યાને લે.

ત્રીજો ઉપાય પણ સાદો હતો. આ સ્થળે ઠેરઠેર એવાં પોસ્ટર મૂકવામાં આવ્યાં કે જેમાં ટ્રેનની ટક્કરથી ફંગોળાતી વ્યક્તિના ચહેરાના હાવભાવ સચોટપણે દેખાતા હોય. જાણીને નવાઈ લાગે, પણ આ સીધાસાદા જણાતા ઉપાય એવા કારગત નીવડ્યા કે આ હિસ્સામાં થતા મૃત્યુના આંકમાં ખાસો ઘટાડો નોંધાયો. આ વર્ષના માર્ચથી ઑગષ્ટ દરમિયાન આ વિસ્તારોમાં માત્ર ૨૨ મૃત્યુ થયા છે, જે ગત વર્ષની સરખામણીએ સાવ ઓછાં કહી શકાય. આ સ્થળે સફળતા મળ્યા પછી હવે આ ઉપાય અન્ય અકસ્માતક્ષેત્રે પણ અજમાવાની તૈયારીઓ થઈ રહી છે.

આ રીતના અકસ્માત, તેને નિવારવા માટે થતા ઉપાયો, તેમાં મળતી આંશિક સફળતા વગેરે મળીને સમગ્ર ચિત્ર કેવું વિચિત્ર ઉપસે છે! પહેલી વાત એ છે કે ગેરકાનૂની આવાસનો સ્વીકાર આપણે હવામાં રહેલા પ્રાણવાયુની જેમ કરવો રહ્યો. આ સમસ્યાના નિવારણ માટે કોઈ પગલાં ન લેવાતાં હોય તો પછી એ સમસ્યાથી પેદા થતી અન્ય સમસ્યાને ઘટાડવાના પગલાં લેવામાં આવે છે. આ કટારમાં વારંવાર જણાવવામાં આવે છે એમ આપણને ગુમડાના ઈલાજમાં રસ જ નથી, બલ્કે ગુમડું થયું છે એ સૂચવતા લક્ષણ એવા તાવને ડામી દેવા માટે આપણે ઉત્સુક અને ઉત્સાહી હોઈએ છીએ. આપણે એટલે નાગરિક એવા આપણે સહુ કોઈ અને આપણા ચૂંટી મોકલેલા પ્રતિનિધિઓ.

હેલ્મેટ પહેરીને જાઓ…. (એક સાંદ્રભિક કાર્ટૂન – નેટ પરથી સભાર)

વાત હેલ્મેટની હોય કે પાટા ઓળંગવાની, તેની સાથે વ્યક્તિગત સુરક્ષા સીધેસીધી સંકળાયેલી છે. તેની અવગણના ગંભીર ઈજા યા મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ આપતી નથી. આમાં દેખીતું અને સીધેસીધું નુકસાન નાગરિકોના જીવનને જ છે, છતાં આપણા માટે જીવનને આગળ વધારવાની પ્રાથમિકતા એ હદની છે કે આપણે મૃત્યુને પણ ગણનામાં લેતા નથી. સરકારને શો ફેર પડવાનો? મુઠ્ઠીભર નાગરિકોને રાજી રાખવા માટે એ ગમે એવું વિચિત્ર, હાસ્યાસ્પદ પગલું ભરી શકે છે. એક વાત આપણે સૌએ ગાંઠે બાંધી રાખવાની છે કે આપણી વ્યક્તિગત સુરક્ષાની જવાબદારી આપણે જ લેવી પડશે અને એ માટે જરૂરી સાવચેતી પણ આપણે જ રાખવી પડશે. એમ કરવા માટેનો કોઈ કાયદો સરકાર કરે કે ન કરે!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૧૨-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “ફિર દેખો યારોં : સચ હૈ દુનિયાવાલોં કિ હમ હૈં અનાડી

  1. હેલ્મેટનો કાયદો ન હોય તો પણ એ પોતાની સુરક્ષા માટે જરૂરી છે. એના માટે કાયદાની શી જરૂર? કરંટવાળા ખુલ્લા તારને ન પકડાય, એવો કોઈ કાયદો છે? તેમ છતાં આપણે એવા તારને પકડતા નથી!

    બહાર નીકળીએ ત્યારે ઘરને તાળું મારવું ફરજિયાત છે? એનો કોઈ કાયદો છે? તેમ છતાં આપણે ઘરને, આપણી માલમિલકતની સલામતી માટે તાળું મારીએ જ છીએ.

Leave a Reply

Your email address will not be published.